ગુરુવાર, 1 જુલાઈ, 2010

GNADHIગાંધીનગર તાલુકાનો ઇતિહાસ

ગાંધીનગર તાલુકાનો ઇતિહાસ

દિલ્હી સલ્તનતનું શાસન :
ઈ.સ. ૧૩૪૭માં શેખ મુઈમુદ્દીન નાઝીમ (ગવર્નર)ના સમયે સુલતાન મહમ્મદ તધલખ જાતે દિલ્હીથી ગુજરાત લશ્કર લઈને આવ્યો હતો. આ ચડાઈ દરમિયાન સુલતાને દૌલતાબાદ કૂચ કરી હતી અને આ રીતે પાટણથી અશાવાલ (અમદાવાદ)ના માર્ગે ગાંધીનગર જિલ્લાના તાલુકા ગાંધીનગર પ્રદેશમાંથી પસાર થયો હતો.

ગુજરાતની સ્વતંત્ર સલ્તનત :
ઈ.સ. ૧૪૧૧ની આસપાસ પાટણને બદલે અમદાવાદ ગુજરાતનું પાટનગર બન્યું. અમદાવાદ ગાંધીનગર તાલુકાની દક્ષિણ હદને સ્પર્શે છે. ઈ.સ. ૧૪૫૯માં ફતેહખાન (મહદ બેગડા તરીકે જાણીતો) સુલતાન મહમદ બેગડા તરીકે ગાદી પર આવ્યો. ગુજરાતના બધા સુલતાનોમાં મહમદ બેગડા પ્રથમ સ્થાને છે. તેના સમયમાં આંબા, રાયણ, મહુડા અને જાંબુનાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં હતાં. ગાંધીનગર તાલુકાને આ યોજનાનો અઢળક લાભ મળ્યો જણાય છે. અમદાવાદથી નજીક હોવાને કારણે આ તાલુકાને બેગડાના શાસનનો ધણો લાભ મળ્યો. ગુજરાતમાં તેના શાસન દરમિયાન અનાજ એટલું સસ્તું હતું કે ગુજરાતના ઈતિહાસમાં આવી સોંધવારી ફરી કદી જોવા મળી ન હતી.

મહમ્મદ શાહ ત્રીજાના રાજ્યકાળ દરમિયાન, આલમખાન નામનો ઉમદા માણસ પેથાપુર ગયો હતો, પરંતુ તે ત્યાં લાંબો સમય રહી શક્યો ન હતો. અમદાવાદના ઈશાન ખૂણે ૧૦ માઈલના અંતરે ઇતિમદખાન અને સુલતાન અહમદ શાહ ત્રીજાના અંગરક્ષક નાસીર-ઉલ-મુલ્ક વચ્ચે ગાંધીનગર તાલુકામાં લડાઈ થઈ હતી. ઇતિમદખાને અકબરને આમંત્રણ આપ્યું. અકબરે ગુજરાતની અરાજકતાનો લાભ લીધો અને ઈ.સ. ૧૫૭૩માં ગુજરાત જીતી લીધું.

પાટનગર અમદાવાદ શહેરની નજીક હોવાને લીધે સુલતાનોના સમય દરમિયાન આ તાલુકાને ધણું વાસ્તવિક મહત્વ મળ્યું. જિલ્લાના દક્ષિણ છેડે આવેલાં ગામો લગભગ આગ્રા અને દિલ્હીના માર્ગમાં આવતાં હોઈ, ધણી કૂચ અને પ્રતિકૂચ આ જિલ્લામાંથી થઈ. આ સમય ધણાં ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તનોનો સાક્ષી હતો. નવી વાંટા ગણોતપ્રથા અસ્તિત્વમાં આવી તથા વેપાર-વાણિજ્યનો વિકાસ થયો. વેપાર વાણિજ્યની સમૃદ્ધિથી શેરથા, રાંધેજા અને પેથાપુરને અસર થઈ. પેથાપુરનો તલવાર બનાવવાનો ઉઘોગ અસ્તિત્વમાં આવ્યો.

મોગલ શાસન :
ઈ.સ. ૧૫૭૩ દરમિયાન સમ્રાટ અકબરે ગુજરાત જીતી લીધું. આમ, આ તાલુકો મોગલ બાદશાહીના સીધા નિયંત્રણ હેઠળ આવ્યો. સમ્રાટે મિરઝા અઝીઝ કોકાને ગુજરાતના પ્રથમ નાઝિમ તરીકે નીમ્યા. માજી સુલતાન મુઝફફરશાહ ત્રીજો તેનું ગુમાવેલું સિંહાસન પાછું મેળવવા અનુકૂળ તકની રાહ જોતો હતો. તે અકબરના નાઝિમો (રાજ્યપાલ) સાથે લડયો. અકબરના નાઝિમોને હરાવ્યા અને તેઓને પાટણ સુધી પીછેહઠ કરવાની ફરજ પાડી. આ સાંભળતાં, અકબરે મિરઝા અબ્દુર્રરહીમખાનને ગુજરાત ફરી જીતી લેવા મોકલ્યો. તે ગાંધીનગર જિલ્લો પાર કરીને પાટણ થઈને ઝડપથી અમદાવાદ આવી પહોંચ્યો. મુઝફફરશાહ ત્રીજો હાર્યો. ત્યારબાદ મિરઝા અબ્દુર્રરહીમખાન ગુજરાતનો નાઝિમ (ગવર્નર) બન્યો.


સમ્રાટ ઔરંગઝેબના અવસાન પછી જૂના અને નવા નાઝિમો વચ્ચે અથડામમ શરૂ થઈ. ગાંધીનગરની જમીન અમદાવાદના પ્રવેશદ્વારની ઉત્તરે હોવાથી, આવી લડાઈઓ ગાંધીનગર તાલુકાના અડાલજ ગામની નજીક લડાઈ હતી. ગાંધીનગર તાલુકાના કોળીઓને આવી લડાઈઓમાં રસ હતો. નાઝિમ (ગવર્નર) હૈદર કુલીખાનના સમયમાં, પેથાપુરના કોળીઓ નિરંકુશ બની ગયા હતા. તે વટે માર્ગુઓને લૂંટી લેતા અને સ્થાનિક અધિકારીઓનું અપમાન કરતા હતા. આ કોળીઓને નિયંત્રણમાં લેવા નાઝિમના અધિકારી કાસમ અલીખાનને પેથાપુર મોકલવામાં આવ્યો. જો કે, તેને ત્યાં મારી નાખવામાં આવ્યો હતો. જ્યારે નાયબ નાઝિમ સુજાતખાનને આની જાણ થઈ ત્યારે તે ખુબ ગુસ્સે થઈ ગયો અને આ કોળીઓને શિક્ષા કરવા પેથાપુર કૂચ કરી હતી. તેણે તેમને હરાવ્યા અને પેથાપુર ગામ બાળી નાખ્યું.

મિરાત-ઈ-અહમદીના લેખક મિરઝા મહમ્મદ હુસેન (અલી મહમ્મદખાન) પેથાપુરના કોળીઓ સાથે અથડામણમાં ઉતર્યો હતો. ઈ.સ. ૧૭૩૯માં લેખક સાબરકાંઠા પ્રદેશમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે પેથાપુરના કોળીઓએ તેને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો. લેખક કોળીઓના બાણથી થોડો ધવાયો હતો, પરંતુ તેના કહેવા મુજબ .....તેને બચાવ્યો.

અડાલજની લડાઈ :
અમદાવાદનો અગાઉનો નાયબ હમીદખાન મરાઠાઓની મદદથી અમદાવાદમાં દાખલ થવા ફરી પ્રયાસ કરતો હતો. પરંતુ ગુલામઅલી બેગ અને બીજા જનરલો કલોલમાં હતા. તેઓએ કૂચ કરી ગાંધીનગર તાલુકાના અડાલજ ગામમાં મુકામ કર્યો. તેમણે મુબારઝ-ઉલ-મુક્કને દૂત સાથે સમાચાર મોકલ્યા, જે અમદાવાદ તરફની તેની કૂચમાં સિદ્ધપુર નજીક હતો. હમીદખાન અમદાવાદમાં દાખલ થઈ શકે તેમ ન હોઈ, અડાલજ તરફ કૂચ કરી અને શાહી ટૂકડીઓ પર આક્રમણ કર્યુ. અડાલજમાં ગમખ્વાર લડાઈ થઈ. ગુલામઅલી બેગ, ખ્વાજા મહમ્મદ અમન અને રાયજાદા હરકરણની સંયુક્ત હકુમત હેઠળની શાહી ટુકડી હમીદખાન અને મરાઠા ટુકડીઓ સાથે બહાદૂરીપૂર્વક લડી. ખ્વાજા મહમ્મદ અમન અને રાયજાદા હરકરણ બહાદુર યૌદ્ધા હતા અને તેમની તલવાર દુશ્મનોની કતારમાં માર્ગ કરતી હતી. બંને ખૂબ બહાદૂરીપૂર્વક લડયાં અને યુદ્ધના મેદાનમાં પોતાની જાન સમર્પી. ગુલામઅલી બેગ પણ ખૂબ ધવાયો પણ તેણે દુશ્મોની કતાર પાર કરી. ધણા થોડા સૈનિકો સાથે અમદાવાદ પહોંચ્યો. બાકીના સૈનિકો વેરવિખેર થઈ ગયા અને ધવાયા. તેઓ મુબારઝ-ઉલ-મુલ્કને આ માઠા સમાચાર આપવા ગયા.

હમીદખાન અડાલજથી શાહીબાગ પાછો ફર્યો, પણ શહેરમાં દાખલ થઈ શક્યો નહિ. તેણે સાંભળ્યું કે મુબારઝ-ઉલ-મુલ્ક તેને શિક્ષા કરવા વીસ હજાર ચુનંદા ધોડેસ્વાર સાથે ગાંધીનગર તાલુકામાં પ્રવેશ્યો છે. તેથી તે કંથાજી સાથે મહેમદાવાદ તરફ નાસી ગયો.

અભેસિંગ અને સર બુલંદખાન વચ્ચે લડાઈ :
તે દિવસોમાં ગાંધીનગર તાલુકાનું અડાલજ ગામ અમદાવાદનું પ્રવેશદ્વાર હતું એમ જણાય છે. સર બુલંદખાન મુબારઝ-ઉલ-મુલ્ક પછી ઈ.સ. ૧૭૩૦માં જોધપુરના મહારાજા અભેસિંગ નવા નાઝિમ (ગવર્નર) તરીકે આવ્યા. પરંતુ સર બુલંદખાન નવા નાઝિમને પોતાનો હવાલો સોંપવા અને શાંતિપૂર્વક અમદાવાદ છોડવા માગતો ન હતો. પરિણામે મહારાજ અભેસિંગે ૨૦,૦૦૦ સૈનિકોનું લશ્કર એકઠું કર્યું અને પાલનપુર થઈને અમદાવાદ તરફ કૂચ કરી. હવે મહારાજાને ખબર પડી કે બુલંદખાન તેમની સામે લડવા સજ્જ થઈને ઉભો હતો. તેથી તેમણે રાધનપુરના બાબીનો સહકાર માગ્યો. જે તેમની ટુકડી સાથે જોડાયા. આ મોટું લશ્કર અડાલજ આવી પહોંચ્યું અને ત્યાં મુકામ કર્યો. સર બુલંદખાને પણ અભેસિંગ સાથે લડી લેવા અમદાવાદ છોડયું અને અમદાવાદ અને અડાલજ વચ્ચે મુકામ કર્યો હતો. શહેરનું ઉત્તરનું પરું રણમેદાન બની ગયું. (તેઓ) એક બીજાને ગમે તે રીતે મારી નાખવા માગતા હતા. પરંતુ બંને ધણા ચતુર હતા. સર બુલંદખાને માન્યું કે જૂની હિંદુ પરંપરા મુજબ મહારાજા હાથી પર યુદ્ધના મેદાનમાં આવશે, પણ મહારાજાએ અગમચેતી વાપરી સામાન્ય સૈનિકના વેશમાં ધોડા ઉપર સવારી કરી. સર બુલંદખાને અડાલજની દિશામાંથી હાથીઓની હાર આગળ ધપતી જોઈ. તે અવિચારીપણે આ હાથીઓ તરફ ધસી ગયો. દુશ્મનના સૈનિકોનો ખાતમો બોલાવ્યો અને હાથીઓને પકડી લીધા. અંબાડી પર મહારાજા કે બીજો કોઈ સૈનિક ન હતા. બંને બાજુએ ધણા સૈનિકોએ આ યુદ્ધમાં પોતાના જાન ગુમાવ્યા. આ યુદ્ધમાં મોટી તોપોનો ઉપયોગ થયો. સર બુલંદખાનનું આક્રમણ એટલું હતું કે છેવટે મહારાજા અભેસિંગને તેની સાથે સમાધાન કરવું પડયું. સર બુલંદખાન અભેસિંગ તેને એક લાખ રૂપિયા આપે તો અમદાવાદ છોડવા સંમત થયો.

વળાદ થાણા પર આક્રમણ :
ગાંધીનગર તાલુકાના વળાદ ગામના કોળીઓએ તે દિવસોમાં અગત્યનો ભાગ ભજવ્યો. ખાનગી પુરવઠા લાઈનનું રક્ષણ કરવા મોમિનખાને શાહ મહમ્મદ જમાદારને વલાદમાં, મહમ્મદ નૂરને કોળી કિલ્લામાં અને હરિ કોટવાલને ડભોડામાં મૂક્યા. શહેરને અનાજ અને ધાસચારો ખાનગીમાં પૂરા પાડનાર કોળીઓની મદદ માટે આ અધિકારીઓએ મૂકવામાં આવ્યા હતા. અનાજ અને ધાસચારો એકઠો કરનાર કોળીઓ પ્રથમ વલાદમાં ભેગા થયા અને ત્યારબાદ ખાનગીમાં તેમનો માલ કાળી કિલ્લામાં લઈ ગયા. રાતના સમયે મરાઠા સૈનિકોના ધ્યાન પર ન આવે તે રીતે આ માલ તે શહેરમાં લઈ જતા. તેમ છતાં, મરાઠા સેનાપતિઓની જાણમાં આ આવ્યું અને તેમણે વલાદ બે અથવા ત્રણવાર લશ્કર મોકલ્યું. પરંતુ લશ્કરને ભારે ખુવારી વેઠી પાછા ફરવું પડયું. તેમ છતાં, મરાઠાઓની સાવચેતીવાળી દેખરેખથી કોળીઓની દૈનિક કમાણીમાં મોટો ફટકો પડયો હતો. કેમ કે હવે વલાદ પર આક્રમણ કરવા દામાજીને સલાહ આપી. શાહ મહમ્મદ કામદાર કોળીઓનો વિશ્વાસધાત સમજી ગયો. પણ તે લાચાર હતો અને ધણી મુશ્કેલીએ વલાદ છોડયું અને અમદાવાદ નાસી છૂટયા. આમ, વળાદ થાણાના પતન સાથે મોમિનખાનની મહત્વની પુરવઠા લાઈન કપાઈ ગઈ.

મરાઠા શાસન :
ઈ.સ. ૧૭૫૮માં સદાશિવ રામચંદ્ર અને દામાજી ગાયકવાડે મોમિનખાન પાસેથી અમદાવાદ જીતી લેતાં, મોટાભાગનો ગાંધીનગર તાલુકો મરાઠા શાસન હેઠળ આવ્યો. ગાંધીનગર તાલુકાના મોટા ભાગમાં ગામો, વડોદરા રાજ્યનું ૧૯૪૭માં વિલીનીકરણ થતાં સુધી, વડોદરા ગાયકવાડ હેઠળ હતાં. પરિણામે, ગાંધીનગર તાલુકાના ઇતિહાસને વડોદરાના ગાયકવાડના ઇતિહાસ સાથે ગાઢ સંબંધ છે.

કડીના જાગીરદારનો બળવો :
દામાજીરાવ ગાયકવાડના ભાઈ, હિંમત બહાદુર ખંડેરાવ ગાયકવાડની પાસે કડી પરગણાને તેની જાગીર તરીકે રહેવા પરવાનગી આપેલ હતી. કડીની આ નાની શાખાએ સ્થાનિક મુખી સાથે અનર્થકારી સંધિ કરી અને ગાયકવાડ કુળની શાસક શાખાને નબળી પાડવા પ્રયાસ કર્યો હતો. ત્યારપછી ગાંધીનગર તાલુકાનો ઉત્તર વિસ્તાર નાની શાખાના અંકુશ નીચે હતો. ખંડેરાવના પુત્ર મલ્હારરાવે વડોદરા નરેશને ખંડણી આપવા ઈન્કાર કર્યો અને કાન્હોજી રાવનો પક્ષ લીધો. તેણે સ્વતંત્ર શાસક તરીકે દેખાવ કર્યો. પરિણામે ગાંધીનગર તાલુકાનો વિસ્તાર નવી અથડામણનું મુખ્ય સ્થળ બન્યો. અડાલજ નજીક બે દુશ્મન સૈન્યો વચ્ચે અથડામણ થઈ. તેમાં હનુમંતરાવ વિજયી થયો. ત્યારબાદ વડોદરાના આનંદરાવ ગાયકવાડે કડીના ઉદ્રંડ મલ્હારરાવને શિક્ષા કરવા બિ્રટિશરો પાસેથી લશ્કરી મદદ મેળવી. ખંભાતથી મેજર એલેકઝેન્ડર વોકર બિ્રટિશ દળ સાથે અમદાવાદ આવી અડાલજ ગયો. મલ્હારરાવે શાંતિ માટે પ્રયાસ કર્યો, પરંતુ ગાયકવાડ અને મેજર વોકરના સંયુક્ત દળે ઈ.સ. ૧૮૦૨માં નગર પર આક્રમણ કર્યું. પણ દુશ્મનોની બંદૂકોએ તેની ટુકડીઓને નાહિંમત બનાવી. તેણે ૧૪૬ માણસો ગુમાવ્યો અને મુંબઈથી વધુ મદદ માટે રાહ જોવી પડી. સર વિલિયમ ક્લાર્ક મેજર વોકરને મદદ કરવા તેની ટુકડીઓ સાથે બુડાસણ પહોંચ્યો ને ચુપકીથી મલ્હારરાવના તોપખાના નજીક ગયો. ઝડપથી હુમલો કરી, બંદૂકો કબજે લઈ તેનો દુશ્મન સામે ઉપયોગ કર્યો. મલ્હારરાવની લશ્કરી છાવણી બાળી મૂકવામાં આવી અને તેને કડી નગરને બિ્રટિશ ટુકડીને સોંપવાની ફરજ પાડવામાં આવી. આમ, મલ્હારરાવના શાસનનો ઈ.સ. ૧૯૦૨માં અંત આવ્યો.



આધુનિક સમય :
સયાજીરાવ બીજાના રાજ્યકાળના પ્રારંભથી લગભગ આધુનિક સમય શરૂ થયો હોવાનું કહેવાય છે. અગાઉ મરાઠાઓ ગાંધીનગર તાલુકાના લોકો પાસેથી સીધી ખંડણી ઉધરાવતા હતા. હવે ઈસ્ટ ઈંડિયા કંપનીએ ખંડણી સીધેસીધી ઉધરાવી વડોદરા નરેશને આપવા માંડી. આમ ગાંધીનગર તાલુકાના લોકો મરાઠા સેનાની પકડમાંથી મુક્ત થયા.

મહીકાંઠા એજન્સી :
મહીકાંઠા એજન્સી મુંબઈ ઈલાકાના છેક ઈશાન ખૂણામાં આવેલી હતી. બાવીસી થાણાનાં ડભોડા અને બીજાં ગામો અને ગાંધીનગર જિલ્લાના બે રાજપૂત પટ્ટા-વાસણા અને પેથાપુર મહીકાંઠા એજન્સી હેઠળ હતા. મહીકાંઠાના સરદાર વડોદરાના ગાયકવાડના ખંડિયા હતા. ઈ.સ. ૧૮૨૦માં મહીકાંઠાનું સંચાલન બિ્રટિશ સરકાર કરતી હતી. ૧૮૨૧ માં મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફ્રીન્સ્ટને આ પ્રદેશની મુલાકાત લીધી અને તાલુકામાં શાંતિ જાળવવા અને ગાયકવાડી ખંડણી શાંતિપૂર્ણ રીતે વસૂલ કરવા નવી રાજકીય એજન્સી સ્થાપી.

મહીકાંઠા એજન્સીનું મુખ્ય મથક સાદરા :
ઈ.સ. ૧૮૧૧-૧૨માં વાસણા રાજ્યનું સાદરા બિ્રટિશ સરકારનું મુખ્ય મથક હતું. બિ્રટિશ મેજરે બિ્રટિશ છાવણી માટે જૂના કિલ્લા પાસેની જમીન સંપાદન કરી. મેજરનો બંગલો, નાનું બજાર, હોસ્પીટલ, વિક્ટોરિયા જ્યુબિલી ગ્રંથાલય, જ્યુબિલી ક્લોક ટાવર અને અન્ય સરકારી મકાનો અસ્તિત્વમાં આવ્યાં. આમ, સાદરાએ સમૃદ્ધિ અને શાંતિની સદી જોઈ અને તે ગાંધીનગર તાલુકાના પડોશનાં ગામો માટે ખરીદીનું કેન્દ્ર પણ બન્યું.

રાજ્યોને જોડી દેવાં :
બિ્રટિશ સરકાર ધણા વખતતી ધણાં નાનાં રાજ્યોના ભૌગોલિક વહીવટી અને રાજકીય પ્રશ્નો ઉકેલવા માટે સધન સમીક્ષા કરી રહી હતી. વડોદરાના ગાયકવાડની દરખાસ્ત મુજબ, તાજના પ્રતિનિધિઓએ જોડાણની યોજના મંજૂર કરી. દરખાસ્તમાં વધારામાં ખંડણીની ચુકવણી બંધ કરવાની અને અગાઉ નિવાસી અને રાજકીય એજન્ટ દ્વારા અદા કરાતાં કર્તવ્યો અને જવાબદારીઓ કેટલીક સલામતીને આધીન રહીને વડોદરા રાજ્ય સામાન્ય રીતે સ્વીકારે એ હતું. પરિણામે આ યોજના મુજબ વાસણા રાજ્ય, ડભોડા રાજ્ય, બાવીસી થાણાના બીજાં ગામો સાથે અને પેથાપુર રાજ્ય વડોદરા રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યાં.
પેથાપુર રાજ્ય :
પેથાપુરના ઠાકોર રાજપૂતની વાધેલા શાખાના અનુગામી હતા. તેમના પૂર્વજ જેતસિંહ અને વીરસિંહ સાથે સંકળાયેલા છે. જેઠાજીના અનુગામી આનંદદેવે કલોલમાં રાજ્ય કર્યુ. આ શાખાના સોમેશ્વરના પૌત્ર ચાંદાજીના હિમલોજી નામના પુત્રે તેના મામા પેથુજીના સોખડા ગામ પર આક્રમણ કર્યુ. હિમલોજીએ પેથુજીને મારી નાખી સોખડા લઈ લીધું. પેથુજીની રાણી સતી થઈ પતિ સાથે બળી ગઈ. પેથુજીની રાણીની આખરી ઈચ્છા મુજબ, સોખડાનું નામ ઈ.સ. ૧૪૪૫માં પેથાપુર પડયું.

હિમલોજી પછી અનુક્રમે જિરતાજી અને દુદાજી આવ્યા. દુદાજીએ ઈડર પર હુમલો કર્યો જેમાં તે લડાઈમાં માર્યો ગયો. તેના પછી તેનો પુત્ર વાધાજી આવ્યો. વાધાજીના પુત્ર વીરમજીના શાસન દરમિયાન, મુસ્લિમો સાથે લડાઈ થઈ અને પેથાપુરનો સંપૂર્ણ નાશ થઈ ગયો. વીરમજીના પુત્રે સુલતાન મહમદ બેગડા સાથે સંધિ કરી અને પેથાપુર અગાઉ જેવું સમૃદ્ધ બન્યું. જેસંગજી પછી અનુક્રમે શાંહુલજી, રાયસિંહજી, સુજાજી, પૂંજાજી, રણછોડજી, સાજનસિંહ, હાથીસિંહ, ગંભીરસિંહ, અદેસિંહ, કિશોરસિંહ, ફતેસિંગ, પૃથ્વીસિંહ, હિંમતસિંહ, ગંભીરસિંહ ગાદીએ આવ્યાં. ગંભીરસિંહ તેની પત્ની રાજબા સગર્ભા હતી તે સમયે ઈ.સ. ૧૮૯૫માં મૃત્યુ પામ્યાં. ઈ.સ. ૧૮૯૬માં રાજબાના પુત્ર ફતેસિંહને બિ્રટિશ સરકારે ગાદીના વારસ તરીકે સ્વીકાર્યો. શિક્ષણ લીધા બાદ ફતેસિંહે ઈ.સ. ૧૯૧૮માં રાજ્યની લગામ હાથમાં લીધી.

સ્વતંત્રતા ચળવળ :
ઈ.સ. ૧૮૫૭ના મહાન બળવા દરમિયાન ગાંધીનગર તાલુકાને અસર થઈ. પાટણના વણિક મગનલાલ ભૂખણે સિપાઈઓની ભરતી કરી. તેમણે હથિયારો એકઠા કરવા લોદ્રા પર આક્રમણ કર્યું. જે ગાંધીનગર જિલ્લાની નજીક છે. પેથાપુર હથિયારો બનાવવા માટે પ્રખ્યાત હતું. તે દિવસોમાં, ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે હથિયારો સોંપવાનો ઈન્કાર કર્યો.

ગાંધીનગર તાલુકાના દેશપ્રેમી પનોતા પુત્ર હીરાલાલ મોતીલાલ ઝવેરી કે જે પેરીસમાં હતા, તેણે ભારતીય ક્રાંતિકારોને મદદ કરી. તેમણે પ્રખ્યાત ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા વગેરેને મદદ કરી કે જેણે ભારતના સ્વાતંત્ર્ય માટે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં ચળવળ ચલાવી હતી અને તેણે ઉદારપણે ચળવળ માટે નાણાં ખર્ચ્યા હતા.

૧૯૧૬માં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના થઈ. પ્રજામંડળે ડો. સુમંતભાઈ મહેતા કે જેણે ત્યાં આશ્રમ સ્થાપ્યો હતો તેની દેખરેખ હેઠળ ગાંધીનગર તાલુકાના શેરથા ગામમાં તેની પહેલી શાખા શરૂ કરી. વાસ્તવમાં તે સ્વતંત્રતા ચળવળ માટે લોકોને તાલીમ આપવાનું કેન્દ્ર હતું.

ગાંધીનગર જિલ્લાના લોકો ૧૯૩૦ની સત્યાગ્રહ ચળવળ દાંડીકુચમાં જોડાયાં. ઉનાવાના વિઘાર્થી આશ્રમે બુલેટિનો સાઈક્લોસ્ટાઈલ કરાવી દૂરનાં સ્થળોએ વહેંચવા માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી. આશ્રમે તેના સ્થાપક ડૅ. સુમંત મહેતાના માર્ગદર્શન હેઠળ માંદા અને ભૂગર્ભ કાર્યકરોને ખાનગી આશ્રમ આપ્યો. બિ્રટિશ ગુના તપાસ અધિકારીઓએ આશ્રમની મુલાકાત લીધી, પણ તે આશ્રમમાં દેશદ્રોહ કહેવાતું હોય તેવું કંઈ શોધી શક્યા નહિ. આ તાલુકાના રાંધેજાના વતની ડાહ્યાભાઈ શુક્લે મુંબઈમાં સત્યાગ્રહી તરીકે સક્રિય ભાગ લીધો. તેમણે મુંબઈમાં યુરોપિયનોની દુકાનો આગળ સત્યાગ્રહ કર્યો. તેની ધરપકડ થઈ, કેદ કરવામાં આવ્યો અને દેવલાલી જેલમાં મોકલી દેવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં સભા-સરધસ અને હડતાળ સામાન્ય બન્યાં. રાંધેજાના બે શિક્ષકો સત્યાગ્રહ ચળવળમાં જોડાયા હતા. આ દિવસોમાં સી.પી.મુનિ નામના સામાજિક કાર્યકરે રાંધેજામાં મુકામ કર્યો હતો. તેણે જુદા જુદાં ગામોમાં જઈ, સભાઓ યોજી અને પ્રવચનો યોજી જિલ્લાના લોકોને જાગૃત કર્યા. ૧૯૪૨માં ભારત છોડો ચળવળના દિવસોમાં આ જિલ્લાએ ખૂબ ઉત્સાહથી તેની કામગીરી કરી.

ઉપરની બાબતો ઉપરથી સ્પષ્ટ થશે કે ગાંધીનગર તાલુકો સ્વતંત્રતા ઝુંબેશમાં ભાગ લેવામાંથી કદી દૂર રહ્યો ન હતો.

ગુજરાતનું નવું પાટનગર ગાંધીનગર :
૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. રાજ્યના પાટનગર માટેની કાયમી જગ્યા કલોલ તાલુકાના પેથાપુર ગામ નજીક સાબરમતી નદીના કાંઠે પસંદ કરવામાં આવી ત્યાં ગાંધીનગર નામનું સુંદર શહેર બાંધવામાં આવ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં આ નવા નગરને ગાંધીનગર નામ અપાયું. આ તાલુકામાં એક તાલુકો છે. કેટલાંક ગામ અમદાવાદ જિલ્લાનાં એક કેટલાંક ગામ મહેસાણા જિલ્લાનાં લઈ ૧૯૬૪માં આ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે. રાજ્યનું પાટનગર અમદાવાદથી ખસેડીને ૧૯૭૦માં ગાંધીનગર લઈ જવામાં આવ્યું.